મનુષ્ય…

મોટાભાઇ અને ભાભી વરંડામાં ઉભા ઉભા કાંઇક ચર્ચા કરી રહ્યા હતા. મારી નજર પડતા ભાઇએ વાત ફેરવી નાખી. ભાઇએ પપ્પા પાસે જઇને કાંઇક ગુપછુપ કરી. બધા મારી નજરમાં આવી ગયા અને મને ખ્યાલ પણ આવી ગયો કે કાંઇક મારા વિશે જ વાત થઇ રહી છે.

ભાઇ થોડાક ગુસ્સામાં લાગતો હતો. ભાભી પણ મને જોઇને મો બગાડી રસોડોમાં ચાલ્યા ગયા.

મને ઘ્રાસકો પડ્યો, ક્યાંક મારા અને મનુષ્ય વિશે ભાઇને ખબર પડી ગઇ હશે કે શું?

“પ્રિયા કાલે તને જોવા માટે એક છોકરો આવવાનો છે, તૈયાર રહેજે ” – ભાઇ બહારથી એટલુ બોલીને સામુ જોયા વગર જ ચાલ્યા ગયા.

ઘરનુ વાતાવરણ ડહોળાયેલુ લાગ્યુ. મમ્મી પણ સરખા જવાબ આપી નહોતી રહી. મારા ધબકારા વધી ગયા હતા. મનુષ્ય વિશે ઘરમાં વાત કરવી કે ન કરવી. જોવા આવતા છોકરાને કેવી રીતે ના પાડવી? વગેરે પ્રશ્નો મને ઘેરી વળ્યા. દોડીને મનુષ્યને મળવા જવાનુ મન થયુ. પણ રાત્રીના નવ વાગે તો ક્યાં બહાને બહાર નિકળી શકાય? મન દુખથી ભરાઇ ગયુ. જમવાનુ પણ ન ભાવ્યુ. રાત્રી પણ પડખા ફેરવતા જ નિકળી ગઇ. મમ્મીએ છાના ખુણે મને જોઇને ફરી ગઇ. આમ જ જેમતેમ કરીને રાત વિતી ગઇ.

સવારે જાગીને બ્રશ કર્યુ. પણ રાતનો ઉજાગરો આંખોમાં દેખાઇ રહ્યો હતો. એ ઉજાગરો હતો કે આંખમાંથી ન નિકળેલા આંશુઓથી લાલ આંખ હતી તે હુ પોતે જ નક્કિ ન કરી શકી. કમને તૈયાર થઇ. મન તો હજુ મનુષ્ય પાસે જ જવા જ તલપાપડ થતુ હતુ. આમ તો મનુષ્ય ભાઇનો ભાઇબંધ હતો એટલે ક્યારેક ક્યારેક ઘરે પણ જતો હતો. પણ જ્યારથી ભાભી અમને શંકાની નજરથી જોવા લાગેલા ત્યારથી તેણે ઘરે આવવાનુ બંધ કરી દીધેલુ. છેલ્લે થોડા સમય પહેલા મંદિરમાં મળેલા ત્યારે શાંતાબા સામે આવેલા પણ શાંતાબા અમારી પાસે આવે તે પહેલા તો અમો છુટા પડી ગયેલા. શાંતાબા કદાચ આ અશાંતિ માટે જવાબદાર છે એવુ લાગ્યુ. કેમકે શાંતાબા ઘરે મળવા આવ્યા પછી જ મમ્મીનુ વર્તન બદલાઇ ગયેલુ. હું આખી વાત સમજી ગઇ. પણ મનુષ્યના વિચારો મનમાંથી ખસતા નહોતા, છોકરો જોવા આવવાનો સમય નજીક આવતો જતો હતો. ઘરમાં કેવી રીતે વાત કરવી તે ખબર નહોતી પડતી અને ખબર પડતી હોત તો પણ પપ્પા મમ્મી કરતા ભાઇ અને ભાભી સામે બોલવાની તો મારામાં હિંમત જ ક્યાં હતી. અને આથી કમને તૈયાર થવુ જ પડ્યું.

10 વાગ્યાં એક ફ્રન્ટી ઘર આગળ આવીને ઉભી રહી. છોકરો ગાડી ચલાવી રહ્યો હતો. તેના મમ્મી પપ્પા તથા તેની બહેન એમ કુલ ચાર જણા આવ્યા હતા. પપ્પા અને ભાઇએ સૌને આવકાર્યા.

“પ્રિયા મહેમાન માટે પાણી લાવજે” – ભાઇનો સત્તાવાહી કડક અવાજ મારા કાને અથડાયો.

હુ પણ સમજી ગઇ કે હવે એક વસ્તુ તરીકે મારી પ્રસ્તુતી પાણીના બહાને થઇ રહી છે. વસ્તુ ગમશે તો વાત આગળ ચાલશે. પણ કોઇએ મને પુછવાની તો દરકાર જ ન કરી કે તારો શુ વિચાર છે? મન ખીન્ન થઇ ગયુ. જે ઘરમાં 19 વર્ષ વિતાવ્યા હોય તે ઘરમાં સ્ત્રીને એટલુ પણ પુછવામાં આવતુ નથી કે બેટા તારો શુ વિચાર છે. તારે લગ્ન કરવા છે કે નહીં અથવા તારા ધ્યાનમાં કોઇ છોકરો છે કે નહીં.?

છોકરો વકીલ હતો. હું હજુ 19 વર્ષની જ હતી અને છોકરો 30 વર્ષનો લાગતો હતો. મારા કરતા ઘણી મોટી ઉંમર તેના શરીરમાં પણ દેખાઇ રહી હતી. પપ્પાની અને ભાઇની ઇચ્છા તો હા પાડી દેવાની દેખાઇ જ રહી હતી. મને પુછવાની તો એમણે ક્યારેય જરુર સમજી જ નહોતી. અને મારી ઇચ્છાનો સવાલ જ ન હતો ફક્ત એ છોકરો હા પાડે તેની રાહ હતી. હુ પાણી આપીને રસોડામાં જતી રહી. તેમની વાતચીતના અવાજો મારા કાને અથડાઇ રહ્યા હતા. મારા કાન મનુષ્યના અવાજનો શોધી રહ્યા હતા. પણ એ વકીલ છોકરાનો અવાજ આવતો હતો અને મારા કાન નિરાશ થઇ રહ્યા હતા. ભાભીએ ચા બનાવીને આપી. મને ફરી ચા આપવા મોકલી. મારી ચાલમાં મારી ઇચ્છા નથી તે સ્પષ્ટ દેખાય આવતુ હતું. મહેમાન ચા પી રહ્યા હતા. ભાભીએ એક રુમમાં બે ખુરશીઓ ગોઠવી આપી હતી મને એ રુમમાં જવાની સૂચના આપી થોડી વાર પછી એ છોકરો પણ આવ્યો. સામાન્ય વાતચીતથી આગળ કોઇ વાત થઇ નહીં ફક્ત એટલુ કહ્યુ કે તમે મને ગમો છો. તમારી ઇચ્છા હોય તો આપણે આગળ વધીએ. હું કાંઇ જ બોલી ન શકી. ફક્ત એટલુ જ કહ્યુ કે પપ્પા અને ભાઇ નક્કિ કરે એમ… અને આને એ મારી હા માની બેઠો અને નમસ્કાર કરીને બહાર જતો રહ્યો. મને આગળ વાત કરવાનો મોકો પણ ન આપ્યો.

બધુ સુમંતર પતી ગયુ. મારી ઇચ્છાઓ મારા મનમાં દબાઇ ગઇ હતી. મનુષ્યને મળી શકાય તેવુ ઘરનુ વાતાવરણ ન હતુ. થોડા જ સમયમાં છોકરા પક્ષ તરફથી હા છે એવો મેસેજ આવી ગયો. ઘરનાએ મને પુછ્યા વગર જ હા પાડી દીધી. સગાઇનો દિવસ પણ નક્કિ થઇ ગયો. મારી હિંમત તુટી ગઇ હતી. મનુષ્યને મળ્યાને ઘણો સમય થઇ ગયો હતો. તેણે લગ્ન કર્યા કે નહી તે પણ મને ખબર નહોતી. આખરે મારે ભાઇ અને ભાભીના ગુસ્સા અને ડરના કારણે આખી વાત દબાવી રાખવી પડી. કોઇ હિસાબે હિંમત ચાલતી નહોતી. આમને આમ સગાઇ પણ થઇ ગઇ. હવે મારી પાસે બીજો કોઇ જ રસ્તો બચ્યો ન હતો. પપ્પા મમ્મીની આબરુ તથા ભાઇ ભાઈનો ગુસ્સો બંને એ મારુ મનોબળ તોડી નાખ્યુ હતુ. અને વકિલ છોકરાને મારે મને કમને સ્વિકારવો જ પડ્યો. મધ્યમ વર્ગનુ કુંટુંબ હોવાથી બહુ ધામધુમથી નહીં પણ પપ્પાની સરકારી નોકરી હતી તેને શોભે તેવી રીતે લગ્ન સંપન્ન થઇ ગયા.

હુ સાસરે પહોચી ગઇ મનુષ્ય દીલના એક ખુણાંમાં સંતાઇ ગયો. જગતે મારા જીવનમાં પ્રવેશ કરી લીધો હતો. જગત મા-બાપનો આજ્ઞાકારી પુત્ર હતો. તેની બહેન એટલે કે મારી નણંદનો સ્વભાવ પણ સરસ હતો. મારા સાસુ પણ પોતાની દીકરી જેમ રાખતા…. ગાડી બંગલો હતો. ભૌતિક સુખ અપરંપાર હતુ. હુ ભૌતિક સુખ ભોગવી રહી હતી. મારા સસરા મને બેટા બેટા કહીને જ બોલાવતા હતા. જગતનુ નિયમિત રીતે મને ફરવા લઇ જતો, ફિલ્મ જોવા લઇ જતો. ઘર સાથે તો મારો નાતો બંધાતો જતો હતો પણ જગત સાથે જોઇએ તેવો નાતો બંધાયો ન હતો. તેની વાત વાતમાં મા-બાપને પુછીને ચાલવાની ટેવ, માવડીયાપણું મને ખટકતુ હતુ. એમાય એના પપ્પા સામે તો તે બોલી જ ન શકતા. ભૌતિક સુખ હોવા છતાં કાંઇક ખુટતુ હોય તેવુ લાગતુ. એક મર્દને છાજે તેવુ વર્તન જગતનુ નહોતુ. એની સામે એમા પપ્પા એટલે કે મારા સસરા 55 વર્ષને ઉંમરે પણ સરસ બાંધો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.

મારા સસરા મારુ ખુબ જ ધ્યાન રાખતા. વાત વાતમાં માથે હાથ ફેરવીને એક દીકરી જેમ વહાલ કરતા. મારા મનમાં મારા સસરાએ મારા પિતાનુ સ્થાન લઇ લીધુ હતુ.  ધીમે ધીમે ઘરનુ વાતાવરણમાં થોડોક ચેન્જ આવતો દેખાયો. મારા સસરા જગતને વધારે દબાવવા લગ્યા. મને આ જરાયે ન ગમતુ. પણ ઘરનાનો મારા પ્રત્યેનો પ્રેમ એટલો બધો હતો કે હુ કશુ જ બોલી ન શકતી. જગતને સમજાવતી કે પપ્પા જેમ મર્દાનગી દેખાડતા શીખો. પણ એ મારી વાત સાંભળતા નહીં. હુ વધુ આ અંગે વાત કરુ તો તેઓ નારાજ થઇને ઘરની બહાર જતા રહેતા.

આમને આમ દિવસો વિતતા ગયા. મારા સસરા મારુ ખુબ જ ધ્યાન રાખતા ધીમે ધીમે મને તેમના માથે હાથ ફેરવવામાં ફેરફાર દેખાવો લાગ્યો. પણ મારા મનમાં તેમણે પપ્પાનુ સ્થાન લઇ લીધુ હતુ એટલે મને બહુ અજગતુ ન લાગ્યુ. પપ્પાએ જગતને એક સિનિયર વકીલને ત્યા નોકરીએ રખાવી લીધો. જગત હવે સવારના નિકળી જતો સાંજે પાછો આવતો. મારા સાસુ ભક્તિભાવ વાળા હતા આથી બપોરે ભજન મંડળીમાં જતા રહેતા અને મારી નણંદ કોલેજ. દિવસ દરમ્યાન હુ અને મારા સસરા એકલા જ ઘરમાં રહેતા.

એક દિવસ પપ્પાએ કહ્યુ

“પ્રિયા બેટા પાણી લાવજે ને!” હુ પાણી લઇને તેમના રુમમાં ગઇ.

“બેસ બેટા, જગત તને હેરાન તો નથી કરતો ને?” અચાનક પુછેલા આવા સવાલે મને ચોંકાવી દીધી.

“ના પપ્પા” પણ કેમ તમે આવુ પુછો છો?

“કાંઇ નહી બેટા આતો તને કોઇ તકલીફ નથીને તે જણવા જ પુછ્યુ.” એમ કહીને તેમણે મારા ગાલે હાથ ફેરવ્યો.

પહેલી વખત એમને સ્પર્શ મને પિતાનો નહી પણ એક પુરુષનો સ્પર્શ હોય તેવુ લાગ્યુ.

મારુ શરીર ધ્રુજી ગયુ. હુ ઉભી થઇને મારા રુમમાં જતી રહી. મારુ મન કહી રહ્યુ હતુ કે ના પપ્પાના મનમાં પાપ ન જ હોય, પણ મારુ સ્ત્રી તત્વ આ સ્પર્શને પિતાના સ્પર્શ તરીકે સ્વિકારવા તૈયાર નહોતુ.

મારા સસરાથી થોડુક અંતર વધારી દીધુ હતુ. તેમની નજીક જેવાનુ હુ ટાળી રહી હતી. વાત કરવાનુ પણ ઓછુ કર્યુ હતુ.

એક આવી જ બપોરે હુ અને મારા સસરા એકલા હતા હુ ટીવી જોઇ રહી હતી. મારા સસરા પણ ટીવી જોવા આવ્યા.

“બેટા મારાથી નારાજ છો?” મારા સસરાએ દુરથી પુછ્યું.

“ના પપ્પા”, મેં વાતને પતાવવા કહ્યુ.

તેઓ બે ડગલા આગળ આવ્યા અને માથે હાથ મુકીને બોલ્યા. “બેટા કાંઇ ચિંતા હોત તો કહેશે હુ બેઠો છું.”

“ના પપ્પા કાંઇ નથી” એમ કહીને હુ મારા રુમ તરફ જવા પગ ઉપાડ્યા..

“બેટા ચા બનાવોને આપણે ચા પીઇએ.” હુ રુમના બદલે રસોડા તરફ વળી.

આજે મારા સસરાનુ વર્તન એક પિતા જેવુ લાગ્યુ. તેમનો માથે હાથ મુક્યો એ મારા પિતાએ હાથ મુક્યો હોય તેવુ લાગ્યુ. ગઇ વખતે થયેલો અનુભવ મારો વહેમ હશે એમ માનીને મેં મારા મનને મનાવ્યુ.

હુ ચાનો કપ લઇને આવી. “લો પપ્પા”

ચાનો કમની સાથે સાથે એમણે મારો હાથ ઉપર સ્પર્શ કર્યો. આ સ્પર્શ ભુલથી થયેલો નહોતો એ મારામાં રહેલા સ્ત્રીત્વને ખ્યાલ આવી જ ગયો. હવે મને ખાત્રી થઇ ગઇ કે મારા સસરાની નજર મારા પર છે. પિતા તરીકે આપેલુ મારુ માન સન્માન બધુ કરડભુસ થઇને પડી ભાગ્યુ. પહેલા થયેલો સ્પર્શ અને ચા આપતી વખતે થયેલો સ્પર્શમાં મને ક્યાં પિતાનો સ્પર્શ દેખાતો નહોતો.

ધીમે ધીમે મારા સસરાના સ્પર્શનુ પ્રમાણ વધતુ ગયું. એક દિવસ,

“મારે નોકરી કરવી છે, મને એકલા ઘરે ગમતુ નથી.” – મેં જગતને કહ્યુ.

“પપ્પા મમ્મી તો ઘરે હોય જ છે.” – જગતે કહ્યુ.

“પણ, મમ્મી તો ભજનમંડળીમાં જતા રહે છે.” – મેં કહ્યુ.

“તો શું થયુ પપ્પા તો ઘરે હોય જ છે ને!” – જગતે કહ્યુ.

મેં મનમાં વિચાર્યુ કે એ જ તો વાંધો છે. નહીં તો મારે ક્યાં નોકરી કરવી. પણ આવી વાત હજુ કરવા માટે ઘરમાં વાતાવરણ હતુ નહીં. બધા પપ્પાને બહુ આદરપૂર્વક જોતા તથા ઘરમાં પપ્પાનું રાજ હતુ વળી પપ્પા બેટા બેટા કરતા હતા. બધાની હાજરીમાં બેટીની જેમ રાખતા હતા એટલે હું તેમના સ્પર્શની વાત કરુ તો કોઇના ગળે ઉતરે તેમ નહોતુ. ઉપરથી બધા મને જ દોષી માનત.. મનની વાત જીભ ઉપર ન આવી જાય તેનુ ધ્યાન રાખી પ્રગટ પણે મેં કહ્યુ.

“પપ્પા સાથે હુ કેવી રીતે સમય પસાર કરી શકુ?”

“અરે પણ નોકરી કરવાની શુ જરુર છે. બીજુ કાંઇ ઘરમાં જ બેસીને કામ કર” – જગતે મારી નોકરી કરવાનો વિરોધ કરતા કહ્યુ. હુ તેને સ્પષ્ટ રીતે સાચી વાત કહી ન શકી એટલે દલીલ કરવાનુ માંડીવાળીને જાતને કેવી રીતે બચાવવી તેનો વિચાર કરવા લાગી. જગત તેના કામે લાગી ગયો. મમ્મી તેના ભક્તિભાવે વળગી. પપ્પા છાપુ વાંચી રહ્યા હતા. મારી નજર પેપરમાં પડી તો કભીકભી લેખમાં આવેલી પ્રેમ કથા વાંચી રહ્યા હતા. તેમના પુરુષ તરીકેના સ્પર્શનો અનુભવ પછી એ પણ મારા ધ્યાનમાં આવ્યુ કે મારા સસરા ફિલ્મ પણ એવી જ જોતા હોય છે કે જેમાં રોમેન્ટીક સીન આવતા હોય તેમને ગમતી ફિલ્મમાં મર્ડર, રાઝનું સ્થાન મોખરે હતુ એમાય અમે બપોરે એકલા હોઇએ ત્યારે ઘણી વખત તેઓ મર્ડર ફિલ્મ જ જોતા હતા અને આનુ કારણ ધીમે ધીમે મારા મનમાં ખબર પડવા લાગી. જગત સાથે મારે આમેય ઓછુ બનતુ મનુષ્યની યાદ વારંવાર યાદ આવતી. લગ્ન વખતે નક્કિ કરેલુ કે મનુષ્યને ભુલીને મારો બધો જ પ્રેમ હુ જગતને આપીશ પણ જગતનો મારા પ્રત્યે નકારાત્મક અભિગમ તથા મારા સસરાનુ શરુ થયેલુ વર્તનના લીધે મનુષ્યની યાદ આવવાની વધી ગઇ. સમય વિતતો ગયો. હુ હવે બપોરના સમયે આજુબાજુ પડોશીના ઘરે બેસવા જતી રહેતી. મારા સસરાને હવે પપ્પા કહેવાનુ ગમતી નહીં. તેમનામાંથી પિતાનો ચહેરો હટી ગયો હતો. મેં આડકતરી રીતે ઘણી વખત જગતને પપ્પાએ કરેલા સ્પર્શ વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ જગત એના પપ્પાથી એટલો ડરી ગયેલો હતો કે એણે મને જ દબાવાનુ ચાલુ કર્યુ. એ વાત સમજીને પણ ન સમજતો હોય તેવુ વર્તન કરતો. જગત મને વધારેને વધારે ઇગ્નોર કરતો હતો અને હુ પણ જગતને હવે ઇગ્નોર કરતા શીખી ગઇ હતી. જગત અને મારા વચ્ચે એક દિવાલ ચણાતી હોય તેવુ મને સ્પષ્ટ દેખાય રહ્યુ હતુ. દિવાળી નજીક આવી રહી હતી. મેં દિવાળીમાં પિયર જવાની વાત જગતને કરી. જગતે કહ્યુ તારે જવુ હોય તો જજે હુ સાથે નહીં આવુ. જગત વગર જ મેં પણ પિયર જવાનુ મન બનાવી લીધુ હતુ. હુ સમય થતા પિયર જવા નિકળી ગઇ. જગતતો ઘરે હતો નહીં મારા સસરા ના પાડવા છતાં મને રેલ્વે સ્ટેશન મુકવા આવ્યા. મારી પાસેથી બેગ લેવાના બહાને મારો હાથ પકડી લીધો બેગના બદલે મારો હાથ ખેંચાઇ રહ્યો હતો. તેમના આંગળા મારા આગળનાને દબાવી રહ્યા હતા. બેટા જલદી આવજે. તારા વગર ઘરમાં ગમશે નહીં. એમ કહીને બેગ લઇ લીધી. હુ ધ્રુજી ઉઠી. સસરાનો ઇરાદો હવે ખુલ્લો પડી ગયો હતો. બેગ મારી જગ્યા ઉપર ગોઠવીને તેઓ નીચે ઉતરી ગયા. ટ્રેન પિયર તરફ ચાલવા લાગી. મનને હાશકારો થયો. ટ્રેનને ગતી પકડી સાથે સાથે મારા વિચારોએ પણ. જગત સાથે રહેતી હોવા છતાં જગત કરતા મનુષ્યના વિચારો વધુ આવતા હતા.

              કોલેજના દિવસો હતા. હુ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને કોલેજ કરી રહી હતી. અમો ત્રણ બહેનપણી હતી. દરરોજ ચાલીને કોલેજ જતા આવતા. જતા આવતા દરરોજ એક છોકરો સાયકલ લઇને સામે મળતો. જેટલી વખત મળતો એટલી વખત એનુ ધ્યાન મારી તરફ જ રહેતુ. મારી બહેનપણીએ એક બે વખત કહ્યુ પણ ખરુ કે તારી પાછળ લટ્ટુ લાગે છે. જ્યારે મળે ત્યારે તારી સામુ જોતા જોતા જ જતો હોય છે. એક દિવસ આવી જ રીતે જોતા જોતા જતો હતો. હુ તેની અવગણના કરવા બીજી તરફ જોતી હતી. પરંતુ તેનુ ધ્યાન તો મારા તરફ જ હતુ એવામાં તેની સામે આવતા એક લાઇટના થાંભલા સાથે તેની સાયકલ અથડાઇ અને તે નીચે પડી ગયો. અમો ત્રણે ખૂબ જ હસ્યા. મારી બહેનપણી એ કહ્યુ કે એના અથડાવવા પાછળ તુ જ જવાબદાર છે. અમને હસતા જોઇને એ ખૂબ શરમાઇ ગયો. અમો આગળ નીકળી ગયા. હુ ઘરે પહોંચી તો પણ મને તેના જ વિચારો આવતા હતા. સ્માર્ટ તો લાગતો જ હતો. પણ તે મારામાં ખોવાઇ ગયો હતો અને પડ્યો હતો. તને થોડુ વાગ્યુ હતુ. પણ તેને વાગેલુ એ મારા દીલમાં ક્યારે લાગી ગયુ તે મને પણ ખબર ન પડી. પછી તો તે જ્યારે મળતો ત્યારે હુ તેને સ્માઇલ આપતી. આમ અમારા સ્માઇલ આપ-લેથી લઇને ચાલુ થયેલી ઓળખાણ એક બીજાને ગુડ મોર્નિગ સુધી પહોંચી. એક દિવસ હુ એકલી જ જઇ રહી હતી અને તે સાયકલ ઉપર સામે મળ્યો મને એકલી જોઇ તે હિંમત કરીને ઊભો રહી ગયો.

“તમારુ નામ શું” એણે હુ જેવી નજીક આવી તેવુ મને પુછ્યુ.

“પ્રિયા અને તારુ” – મેં સામે પુછી લીધુ.

“મનુષ્ય” – એણે કહ્યુ.

“અરે મે તારુ નામ પુછ્યુ છે પ્રાણી છો કે મનુષ્ય તેમ નહીં.” મેં હસી પડતા કહ્યુ.

“મારુ નામ મનુષ્ય જ છે. મારા પિતા રજનિશ ઓશોના સન્યાસી હતા એટલે એમણે તેમના વિચારોથી પ્રભાવિત થઇને મારુ નામ મનુષ્ય રાખ્યુ તેમનુ માનવુ હતુ કે દરેકે હિન્દુ, મુસ્લિમ શીખ કે જાત નાત નહી પણ પહેલા મનુષ્ય બનવુ જોઇએ અને આ વિચારને ફેલાવવા મારુ નામ મનુષ્ય જ રાખી દીધુ”- એણે કહ્યુ.

મેં કહ્યુ ચાલ સામેના બગીચાના બાંકડા પર બેસીએ. કારણકે મને તેની રજનીશની વાતમાં રસ પડ્યો. કારણકે અમારા એક પ્રોફેસરે થોડા સમય પહેલા જ ક્લાસમાં રજનીશના વિચારો ઉપર સરસ મજાનુ લેક્ચર આપેલુ અને મનુષ્ય નામ મેં પહેલી વખત સાંભળેલુ. વળી આ નામ પાછળ પણ રજનીશની વાત છુપાયેલી નીકળી એટલે વધુ રસ પડ્યો. ત્યારબાદ તો અમો કલાક જેવુ બેઠા, રજનીશજી વિશે તેણે ઘણુ વાંચેલુ હતુ. મને પણ તેની વાતમાં રસ પડ્યો.

“તારી પાસે ભગવાન ઓશોના પુસ્તકો છે?” મે તેને પુછ્યુ.

“હા બહુ બધા. મારા પિતાજીએ સન્યાસ લીધો હતો અને એમણે બહુ બધા પુસ્તકો વસાવ્યા છે. તમને રસ હોય તો તમે મારા ઘરે આવજો હુ મારા પિતાનુ નાનકડુ પુસ્તકાલય દેખાડીશ.” – એણે કહ્યુ.

અમો એના પછીથી એના ઘરે મળવાનુ નક્કિ કરીને છુટા પડ્યા. અમારી મુલાકાતો વધતી ગઇ. ક્યારેક બગીચામાં બેસીને ઓશોના વિચારો વિશે ચર્ચા કરતા તો ક્યારેક તેના ઘરે. આમને આમ અમારી મુલાકાતો વધતી ગઇ. એક દીવસ વાતમાંથી વાત નીકળી તો એમાં મારા ભાઇનુ નામ વચ્ચે આવ્યુ. તો તે ચોંકી ગયો.

“અરે તારો ભાઇ અને હુ તો ખાસ મીત્ર છીએ. મને તો ખબર જ નહી કે તુ મારા મિત્રની બહેન છે.” એણે ખૂબ જ આશ્ચર્થી કહ્યુ.

ત્યાર પછી તો તેણે મારા ભાઇ સાથે ઘરે આવવાનુ ચાલુ કર્યુ. ઘરે અમો બંન્ને એકબીજાને ઓળખતા નથી એવો વ્યવહાર કરતા. અમો એક બીજાના પ્રેમમાં ક્યારે પડી ગયા તે અમો ને જ ખબર ન પડી પણ આ પ્રેમ એવો પવિત્ર હતો કે અમે એક બીજા જ ક્યારેય સીધુ જ આઇ લવ યુ કહ્યુ જ નહોતુ પણ એકબીજાની દોસ્તી ગમતી. અમો ધીમે ધીમે ક્યારેક બગીચામાં તો ક્યારેક મંદિરમાં મળતા. ક્યારેય કોઇ મર્યાદા ઓંળગી નહોતી. એટલે સુધી કે એણે ક્યારે મારો હાથ પણ પકડ્યો નહોતો. આવા પવિત્ર પ્રેમને લગ્નમાં પરિવર્તન કરવાનુ મારુ સ્વપ્ન હતુ. એક દિવસે મનુષ્યએ મને અચાનક મંદિરમાં મળવા બોલાવી. મને કેમ અચાનક મંદિરમાં બોલાવી હશે તે વિચારોમાં હતી ત્યાં જ એણે કહ્યુ કે

“પ્રિયા આપણી દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઇ ગઇ છે એવુ તને નથી લાગતુ?”

“ચોક્કસ લાગે છે અને મને એવુ લાગે છે કે હવે મારા ભાઇ અને પપ્પા મારા લગ્નની વાતો ચલાવવાનુ ચાલુ કર્યુ છે.” મેં મારા વિચારોને આડકતરી રીતે તેની સમક્ષ મુક્યા.

અમારી વાતો આગળ વધે એ પહેલા જ મંદિર તરફ આવતા મારી પડોશમાં રહેતા શાંતાબા પર મારી નજર પડી મેં કહ્યુ કે આપણે પછી મળીએ નહીતર આ શાંતાબા આખા ગામમાં આપણી સંબંધોની વાત ફેલાવી દેશે. એણે મને ઘણી રોકવાનો પ્રયત્ન કર્યો અને મારી આખી વાત સાંભળીને જા તેવો આગ્રહ રાખ્યો પણ શાંતાબાના ડરે હુ ત્યાથી ઝડપથી ભાંગી ગઇ મને રોકતો તેનો હાથ એમને એમ રહી ગયો અને હું ભીડમાં ખોવાઇ ગઇ. પણ શાંતાબા તો બે ત્રણ દિવસ પછી ઘરે પહોંચી જ ગયા. અને મમ્મી સાથે શુ વાત કરી તે કે મમ્મી મારાથી નારાજ ફરવા લાગેલી અને એ પછી જગત મને જોવા આવ્યો. ટ્રેન ઉભી રહી. મારા વિચારો ઉભા રહી ગયા. કેટલા લાંબા ભૂતકાળમાં મારા વિચારો ફરી આવ્યા તેનો ખ્યાલ જ  ન રહ્યો. સ્ટેશને ટ્રેન ખાલી થઇ જતી. હુ પણ ખાલી મન કરીને ઉભી થઇ. ઘર તરફ પ્રયાણ કર્યુ.

દિવાળીનો દિવસ પુરો થયો બીજા દિવસે બેસતુ વર્ષ હતુ. બીજા દિવસે સૌ વહેલા ઉઠીને એકબીજાને મળવા નીકળી પડ્યા. સૌને મળીને 10 વાગે હું ઘરે આવી. હું બહાર બેસીને હિંચકો ખાઇ રહી હતી. એટલામાં જ એક બહેન એક બાળકને તેડીને અમારા ઘરે નવા વર્ષના સાલમુબારક કરવા આવ્યા. મારા ભાઇ વિશે પુછ્યુ, મેં કહ્યુ આવતા જ હશે.

“તમારી ઓળખાણ ન પડી.” – મેં તેમને પુછ્યું.

“હુ મનુષ્યની વાઇફ એ બાઇક પાર્ક કરીને આવતા હશે.” એણે કહ્યુ.

હુ આવકારો આપવાનુ ભૂલી ગઇ. તેના લગ્ન થઇ ગયા હતા તેને એક બાબો પણ હતો. હુ કાંઇ વિચારી ન શકી. સામે મારો ભાઇ મને મનુષ્ય હાથ મેળવતા મેળવતા આવી રહ્યા હતા. હુ જાગૃત થઇ મનુષ્યની વાઇફને આવકાર આપ્યો. ઘરમાં બોલાવી. મારા લગ્ન પછી મનુષ્ય વિશે હું કાંઇ જાણતી નહોતી. મને તેના વિશે જાણવાની ખુબજ ઇચ્છા થઇ આવી પણ બધાની હાજરીમાં કેવી રીતે વાત કરવી? ભાભીએ બધા માટે ચા બનાવી. નાસ્તો અને મીઠાઇ ખાતા ખાતા તે તીરછી નજરે મને જોઇ રહ્યો હતો પણ તેના આંખોના ભાવ હું સમજી શકતી નહોતી. તેની સાથે ભરપુર વાત કરવાનુ મન થઇ રહ્યુ હતુ. ભાભીએ ચા આપતા કહ્યુ આજે તો જમીને જ જજો. ઘણા સમયે આવ્યા છો. મારા ભાઇએ પણ મનુષ્યને જમીને જ જવાનુ છે તેવો ઓર્ડર આપી દીધો. ભાઇ તથા મનુષ્ય બજારમાં ફરવા જતા રહ્યા. ભાભી રસોઇ બનાવવાના કામે લાગ્યા. ભાભીએ મને કહ્યુ કે પ્રિયા ગઝલને મંદિરે લઇ જા તમો ફરીને આવો ત્યાં સુધીમાં હું રસોઇ બનવાવી નાખુ. તમારા ભાઇ અને મનુષ્ય તો ફરવા જતા રહ્યા પણ ગઝલ એકલી એકલી  કંટાળી જશે તેનો ટેણીયો પણ કંટાળી જશે. હું ગઝલને તથા તેના બાળકને લઇને મંદિરે દર્શન કરવા માટે નીકળી.

“તમે જ પ્રિયા છો ને ?” ગઝલે મારી સાથે વાત કરવાનો મોકો મળ્યો હોય તેવા ઉમળકાથી સવાલ પૂછ્યો.

“હા હું જ પ્રિયા છું કેમ પૂછવુ પડ્યુ?” મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

“મનુષ્યએ મને બધી જ વાત કરી છે.” ગઝલે બધુ જ જાણે છે એ અદામાં મારી સામે હસીને કહ્યુ.

“શું જાણો છો? મારે પણ બધુ જ જાણવુ છે. પ્લીઝ મને બધી વાત કરો” મેં ગઝલ પાસેથી વાત જાણવા પ્રયત્ન કર્યો.

“મનુષ્ય સાયકલ સહિત થાંભલા સાથે અથડાયો ત્યારથી લઇને બગીચામાં તમો મળતા. મંદિરે તમે મળતા છેલ્લે તમો એકબીજાને મંદિરમાં મળેલા તે બધી જ વાત હુ જાણુ છું.” ગઝલે કહ્યુ.

“બસ મારે મંદિરે મળ્યા પછીની વાત જ જાણવી છે એ જો જાણતા હોય તો મને કહો ને પ્લીઝ”- મેં વિનવણી સ્વરે ગઝલને કહ્યું.

તો સાંભળો,….

હકિકતમાં મંદિરે જ્યારે તમે મળ્યા તે પહેલા જ કોઇકે તમારા ભાઇને તમો બંને સાથે હરો ફરો છો તે વાત કરી દીધી હતી. એટલે તમારા ભાઇએ મનુષ્યને મળવા બોલાવેલો. મનુષ્ય અને તમારા વિશે શુ ચાલી રહ્યુ છે તે પુછેલુ. મનુષ્યે તમારી વચ્ચે જે કાંઇ હતુ તે બધી જ વાત સ્પષ્ટ રીતે તમારા ભાઇને કરેલી. મનુષ્ય તમારી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર હતા અને તમારું માંગુ એણે તમારા ભાઇ સમક્ષ માંગેલુ. તમારા ભાઇ આ વાત સાંભળીને ખુબ જ ગુસ્સે થઇ ગયેલા. સ્પષ્ટ શબ્દોમાં તમારા ભાઇએ આ વાત ફગાવી દીધી. મનુષ્ય ઓશોને વાંચીને મોટો થયેલો છે એટલે એણે બીલકુલ ગુસ્સો કર્યા વગર તમારા ભાઇને સમજાવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તમારા ભાઇ ન જ માન્યા. ગુસ્સે થઇને તમારા ભાઇએ તમને છોડી દેવા દોસ્તીના સમ આપ્યા. મનુષ્યે તમારા ભાઇના પગમાં પડીને દોસ્તીના સમ પાળીશ હું પ્રિયાને છોડી દઇશ એવુ વચન આપ્યુ. પણ છેલ્લી વખત તમારી સાથે એક મુલાકાત કરવાની તમને મળવાની રજા માંગી. મનુષ્યે તમને મંદિરે બોલાવ્યા પણ આખી વાત થાય તે પહેલા જ શાંતાબાને તમે જોઇ ગયેલા અને ત્યાંથી ભાગી ગયેલા. તમારા ભાઇએ આપેલા સમના કારણે ત્યાર પછી એણે તમને ક્યારેય મળવાનો પ્રયત્ન ન કર્યો. તમારા ભાઇએ ત્યાર પછી ઝડપથી તમારા લગ્ન કરવાનુ નક્કિ કરી નાખેલુ. મનુષ્યે તમારા ભાઇ સાથેની દોસ્તીના નાતે તમારી સાથે લગ્ન ન કરી શક્યાં પણ તમારો બંનેનો પવિત્ર પ્રેમની બધી વાતો એમણે મને કરી. વાસ્તવવાદમાં જીવતા મનુષ્યે તમારી યાદોને એક ખૂણામાં પોટલુ વાળીને મુકી દીધી તેના પપ્પા અને મમ્મીની જીદના કારણે મારી સાથે લગ્ન કરી લીધા. તમારા લગ્ન પછી તમારા ભાઇ અને મનુષ્યની દોસ્તી વધુ ગાઢ બની. દોસ્તી નિભાવવા ખાતર એણે તમારી સાથેના પ્રેમને પણ કુરબાન કર્યો.

મારી આંખોમાંથી આંસુ નિકળી પડ્યાં. શાંતાબા પ્રત્યે મને જે ધ્રુણા હતી તે દૂર થઇ. સમાજની બીકે ભાઇ પણ અમારા લગ્ન માટે હા ન પાડી શક્યો એવુ મને લાગ્યુ. “આ સમાજ શુ કહેશે?” એ જ વાત મારી પ્રેમ કહાનીમાં વિલન બની હતી તે સ્પષ્ટ થયુ. મને મનુષ્ય પ્રત્યે આદર થઇ આવ્યો. ગઝલે મારા આંસુ લૂછ્યા. મને ગળે વળગાડી. પ્રેમથી માથે હાથ ફેરવ્યો. મંદિરમાં દર્શન કરીને પરત ફર્યા મારા મન એકદમ હલકુ થઇ ગયુ. હુ પહેલા કરતા વધુ પ્રફુલ્લિત થઇ ગઇ.

મારો પ્રફુલ્લિત ચહેરો જોઇને તેને ખ્લાય આવી ગયો કે ગઝલે મને બધી વાત કરી છે. જાણે કે કેટલાય દિવસોનો મારા અને એના મનમાં રહેલો બોજ હળવો તો હોય તેવુ લાગ્યુ. પ્રફુલ્લિત ચહેરે મનુષ્યએ જમીને રજા લીધી.

મારે પણ સાસરે જવાનો સમય થઇ ગયો હતો. સ્ટેશને છોડવા આવેલા ત્યારે જે રીતે મારા સસરાએ મારા હાથ ઉપર હાથ ફેરવીને આંગળા દબાવેલા તે યાદ આવતા ફરી એક વાર હુ ઘ્રુજી ઉઠી. જગતતો મારો પક્ષ લેશે જ નહીં તે સ્પષ્ટ હતુ. સસરા જેવી રીતે ઘરમાં બેટા બેટા કહીને બોલાવતા તે જોતા કોઇ મારી વાત માને એમ જ નહોતુ. આજુ બાજુના પાડોશીઓ પણ મારા સસરાના વખાણ કરતા કે એક વહુને પોતાની દીકરી માનીને રાખે છે. ફક્ત આ દીકરી સાચી હકીકત જાણતી હતી. હુ સાસરે પાછી આવી ગઇ. મનથી નક્કી કર્યુ કે હવે પછી મારા સસરા મારા ઉપર નજર બગાડશે તો હું જગતને સ્પષ્ટ વાત કરી જ દઇશ અને આ ઘરથી અલગ થઇને જગત સાથે બીજે ક્યાંક રહેવા જતી રહીશ. થોડા સમયતો મારા સસરાએ કોઇ રુપ ન દેખાડ્યુ. બધુ સામાન્ય હોય તેવુ લાગ્યુ. ઘરમાં મને પણ લાગ્યુ કે કદાચ સસરા સુધરી ગયા હશે. બપોરના સમયે પણ તેઓ તેમના કામમાં જ મસ્ત હોય. મને નિરાંત થઇ. જગતને હુ મારો બધો જ પ્રેમ આપવા માંગતી હતી. મનુષ્યનુ પ્રકરણ પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયુ હતું. હવે જે કાઇ હતુ તે જગતમાં જ હતું. મારા સાસુ એટલા બધા ભક્તિભાવે રંગાઇ ગયેલા હતા કે તેમણે હવે મારા સસરા સાથે એક રુમમાં સુવાનુ પણ બંધ કરી દીધુ હતુ. આખો દિવસ માળા ફેરવતા ભક્તિના ભજનો વગાડતા. મને ખ્યાલ આવી ગયો હતો કે મારા સસરામાં આટલી કામુકતા કેમ હતી. તેઓની જરુરીયાત મારા સાસુ પુરી કરતા નહોતા જે ઉધ્વસ્વરુપે બહાર આવી રહી હતી. મનુષ્ય પાસેથી ઓશોનુ જ્ઞાન મળેલુ તે આ બધુ સમજવામાં કામ આવી રહ્યુ હતુ. એક દિવસ મેં મોકો મળતા સાસુમાને કહ્યુ કે મમ્મી તમે આટલી બધી ભક્તિ કરો તે વાંધો નથી પણ પપ્પા સામે થોડુક જોવાનુ પણ રાખો. મમ્મી મારા કહેવાનો મતલબ સમજી ગયા. મને કહે હવે આ ઉંમરે આવુ બધુ અમને થોડુ શોભે. એમ કહીને મારી વાત ટાળીને હરી હરી કરતા બબડતા બબડતા બહાર નિકળી ગયા. એક દિવસ મારા સાસુ તથા મારી નણંદ બહાર ગામ ગયા હતા. જગત કોઇ કેશના કામે અમદાવાદ ગયો હતો જે બે – ત્રણ દિવસ આવવાનો નહોતો. સાસુમાં પણ બે દિવસ પછી આવવાના હતા. ઘરે હુ અને મારા સસરા એકલા જ હતા. પણ સસરાએ મને હેરાન કરવાનુ બંધ કરી દીધુ હોઇ મને હવે કોઇ બીક રહી નહોતી. સાંજે જમીને કામકાજ પતાવી હુ મારા રુમમાં જતી રહી. મારા સસરા બેઠકરુમમાં ટીવી ચાલુ કરીને બેઠા હતા. રાત્રીના દશેક વાગ્યા હશે. અચાનક મારા રુમની બારીમાંથી કંઇક પડવાનો અવાજ આવ્યો. હુ ગભરાઇ ગઇ અને ચિસ પાડી ઉઠી. મારા સસરા મારા રુમમાં દોડી આવ્યા. હુ નાઇટીમાં હતી. લાઇટ ચાલુ કરી. જોયુ તો એક બીલાડીએ બારીમાંથી આવીને બારીમાં પડેલી વસ્તુઓ પાડી હતી. લાઇટ ચાલુ કરતા જ બહાર ભાગી ગઇ. પણ મારા સસરા ન ગયા. મારી સામુ જ જોઇ રહ્યા. મેં દુપટ્ટો લીધો અને શરીરે વીટીં દીધો. પણ મારુ બદન નાઇટીમાં સસરા જોઇ ગયેલા… તેમના ચહેરા પર કામવાસના જાગૃત થયેલી હુ જોઇ શકી. મારી પાસે આવીને કહે કે બેટા બિલાડી હતી. ગભરાવવાની કોઇ જ જરુર નથી. એમ કરીને મને માથે હાથ ફેરવીને બથ ભરી ગયા. મેં તેમને દૂર ખસેડવા પ્રયત્ન કર્યો પણ તેમની મજબુત બાહો બેટા બેટા કરતા મારા બરડામાં ફરી રહી હતી. કશુ નથી બેટા કશુ નથી બેટા કરતા કરતા મને છાંતી સરખી ચાપી દીધી. હુ તડપી ઉઠી. તેમનો હાથ મારા વક્ષ સ્થળ ઉપર પહોચી ગયો. હવે તો તેમનો તેમનો ઇરાદો પાક્કો થઇ જ ગયો હતો. મેં એક જ ઝાટકે મારી જાતને તેમની બાહોમાં છોડાવીને જોરીથી ધક્કો માર્યો. બીજા ધક્કે મેં તેમને રુમની બહાર ધકેલી દીધા. રુમને અંદરથી બંધ કરીને મારી જાતને ઠીક કરી. મારો ક્રોધ જોઇને સસરા પણ ડરી ગયા. બહારથી જ ઉભા ઉભા મારી માફી માંગવા લાગ્યા. તથા જગતને તથા મારા સાસુને આ અંગે વાત ન કરવા વિનંતી કરવા લાગ્યા. હવે પછી આવુ ક્યારેય નહીં થાય તેમ કહેવા લાગ્યા. મેં મારી જાતને રુમમાં બંધ કરીને આખી રાત જાગતા પસાર કરી. બીજા દિવસે જાગીને હુ મારા રુમમાંથી બહાર આવી તો મારા સસરા રડતા રડતા મારા પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. મારે શુ કરવુ તે સમજાયુ નહીં. હવે તો એ વાત તો નક્કી જ હતી કે આ ઘરમાં હુ રહી શકુ તેમ નહોતી. બે દીવસ પછી જગત અને મારા સાસુ લોકો આવી ગયા. એ જ રાત્રે બનેલી બીના મેં રડતા રડતા જગતને કહી જ નાખી. જગતે મારી વાત સાંભળીને મને ગાલે એક જોરદાર તમાચો મારી દીધો. મારા પિતા પર આવો આરોપ નાંખતા શરમ નથી આવતી? એમ કહીને બીજો તમાસો બીજા ગાલે લગાવી દીધો. હું પણ હવે રણચંડીના રુપમાં આવી ગઇ જોરથી બરાડીને કહ્યુ. પહેલા તમે તમારા પિતાને પૂછો પછી મારા પર હાથ ઉપાડો. અમારા રુમનુ વાતાવરણ ગરમ હતુ. મારી વાત જગત માનવા તૈયાર નહોતો. મને મારવાના અવાજે ઘરના સભ્યો દોડી આવ્યા. મારા સસરાએ જગતનુ રુપ જોઇને જગતનો વિશ્વાસ જોઇને રંગ બદલી નાખ્યો. જે ગઇ કાલ સુધી મારી માફી માંગતા હતા એ સસરાએ જગતને કહ્યુ બેટા રહેવા દે તેને માર નહીં.

જગતે કહ્યુ, “પપ્પા તમે જાણતા નથી એણે તમારા પર આરોપ મુક્યો છે કે તમે તેને એકલી જોઇને તમે તેના રુમમાં આવ્યા હતા.”

“અરે બેટા તને તો મેં દીકરી જેમ રાખી છે. મારા પર આવો ગંભીર આરોપ નાખતા પહેલા ભગવાનનો માથે રાખ,” મારા સસરાએ કાંચિડા જેમ બદલતા જવાબ આપ્યો.

ઘરનુ વાતાવરણ ખુબજ ખરાબ થઇ ગયુ. મારા સાસુ તો હે રામ હે રામ… કરતા કરતા ગોળ ગોળ ફરવા લાગ્યા. જગત હજુ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. અને મારી દશા તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. જગત મારી વાત માનવા તૈયાર નહોતો. મારા સસરા પણ કાંચિડાની માફક રંગ બદલી રહ્યા હતા.

“બેટા સાચી વાત કહીને મારે તમારુ લગ્ન જીવન બગાડવુ નથી. પણ મારા પર આટલો મોટો આરોપ આવ્યો એટલે ન છુટકે કહેવુ પડે છે કે બેટા એ જ નાઇટી પહેરીને મારા રુમમાં આવી હતી. મેં એને તેના રુમમાં જવાનુ કહ્યુ પણ તે ન માની એટલે મારે ન છુટકે તેને ધક્કો મારીને કાઢવી પડી અને આ વાતનો બદલો લેવા તારી સમક્ષ એ મારી ફરીયાદ કરી રહી છે.” મારા સસરાએ હવે તો બધી જ શરમ નેવે મુકીને ચોર કોટવાળાને દંડે એમ મારા ઉપર આરોપ નાખીને તેમની જાતને બચાવી રહ્યા હતા. મારા માટે હવે આ ઘરમાં રહેવુ મુશ્કેલ બન્યુ.

મેં જગતને ફરી સત્ય હકિકત કહી અને કહ્યુ કે “મારો વિશ્વાસ કરો આ જ સત્ય હકીકત છે હુ નથી ઇચ્છતી કે આપણા ઘરમાં મોટા ઝગડા થાય. પણ મારુ કહેવુ એટલુ જ છે આપણે હવે અલગ રહેવા જતા રહીએ. હુ પપ્પાને માફ કરવા પણ તૈયાર છું.”

“એક તો મારા પપ્પા પર ખોટા આરોપ નાખે છે અને પાછી મને ઘરથી અલગ કરવાના પેતરા પણ કરી રહી છે. પ્રિયા તારુ કેરેક્ટર ખુલ્લુ પડી ગયુ છે. હુ તારી સાથે અલગ રહેવાની વાત તો દૂર રહી હુ તારી સાથે જ રહી શકુ તેમ નથી.” જગતે ગુસ્સે થઇને ધ્રુજતા ધ્રુજતા કહ્યુ.

મારા સાસુ તો જાણે ઉભા ઊભા તમાશો જ જોઇ રહ્યા હતા. રામ રામ રામ કરતા બબડતા હતા.

“છેલ્લા કેટલાય વર્ષોથી હુ તમારા પપ્પા સાથે નથી સુતી છતાં મારી સાથે કોઇ દીવસ બળજબરી નથી કરીને તારી સાથે બળ જબરી કરે તે મને માન્યામાં જ નથી આવતુ.” આટલુ બોલીને રામ રામ કરતા બીજા રુમમાં જતા રહ્યા.

“બેટા એને માફ કરી દે” એમ કહીને મારા સસરા પણ બીજા રુમમાં જતા રહ્યા.

મારા ગુસ્સાનો કોઇ પાર નહોતો. સસરાઓ કાંચિડાની જેમ રંગ બદલી નાખ્યો હતો. જગત મને દોષી માની રહ્યો હતો સાસુ પણ મને જ દોષી માની રહ્યા હતા. સાચી વાત હુ અને મારા સસરા જ જાણતા હતા. હુ તમતમી ઉઠી.

“જગત મેં જે કહ્યુ તે સત્ય છે. તમારે મારો વિશ્વાસ કરીને મારી સાથે આ ઘર છોડીને બીજા રહેવા તૈયાર છો કે પછી હુ જ આ ઘર છોડીને ચાલી જાવ?” – મેં મારો આખરી નિર્ણય જણાવી દીધો.

“તુ આ ઘર છોડી જતી રહે એ જ બહેતર રહેશે. હુ મારા માતા પિતાને તારા ખોટા આરોપો માટે છોડવા તૈયાર નથી.” એમ કહીને જગત બહાર નિકળી ગયો.

આખી રાત જેમ તેમ પસાર કરી. આત્મહત્યા કરી લેવાનુ મન થયુ. ઓશોની વાણી યાદ આવી. કાયર બનીને દુનિયા છોડવા કરતા આ ઘરને જ છોડી દેવાનુ નક્કી કર્યુ. બીજા દિવસે હુ મારા પિયર આવી ગઇ. ઓશોના વિચારોએ દુનિયા સામે લડવાની તાકાત આપી. મનુષ્ય સાથે ગાળેલા સોનેરી દિવસો આજે કામ લાગી રહ્યા હતા. પપ્પા મમ્મીને તથા ભાઇને બધી વાત કરી. ભાઇએ પણ મારી વાત સમજીને સમાજમાં મારી તથા મારા સાસરી પક્ષની આબરુ ન જાય તે માટે થઇને વાત ખાનગી રાખીને આપણે છૂટાછેટા માટેની અરજી કરશુ એવુ આશ્વાસન આપ્યુ. ભાઇ તથા ભાભી અણીના સમયે દુખના સમયે મારી સાથે ઉભા રહ્યા. જ્યારે ભાઇને ખબર પડી કે મેં ઓશોને વાંચેલા એટલે આત્મહત્યા ન કરીને લડવાનુ નક્કિ કર્યુ ત્યારે તરત જ ઓશો પ્રેમી એવા તેના ભાઇબંધ મનુષ્યને ફોન લગાવ્યો. બધી વાત કરી. મનુષ્યે મારી સાથે ફોન પર વાત કરવાની ઇચ્છા જાહેર કરી. ભાઇએ મને ફોન આપ્યો.

“પ્રિયા જે થયુ તે સારુ જ થયુ. જિંદગીના શરુઆતના વર્ષમાં જગતે તને સાથે ન આપ્યો તો આવા લગ્ન જીવનને ટકાવીને તુ ક્યારેય સુખી ન થઇ શકત. બીજુ કે તારી સામે તારા સસરાએ જે રીતે રંગ બદલ્યા તે જોતા તેમની ઇચ્છા પૂરી કરવા આગળ જતા વધુ હિંમત અને પ્લાન સાથે તારા ઉપર તુટી પડત તારુ સર્વસ્વ લુટાઇ જાય તે પહેલા જે રીતે તારા સાસરી વાળાના સાચા ચેહરા સામે આવી ગયા તે તારા લાભમાં છે. દુખી થવાની કોઇ જ જરુર નથી. ઉપરથી તારે આનંદ વ્યક્ત કરવો જોઇએ  કે તારુ આખુ જીવન બગડતા અટકી ગયુ. તુ ત્યાં બધું જતું કરીને રહી પણ હોત તો પણ તે તારો અંતરઆત્મા ખોઇ નાખ્યો હોત આખી જીંદગી દુખી દુખી થઇને વિતાવવી પડત. દુનિયામાં દુખ હોતુ જ નથી જે કાઇ બને છે તેને આપણે સુખ કે દુખ માની લઇએ છીએ. તુ જગતને ડીવોર્સ આપી દે અને તારી નવી જીંદગી શરુ કર. નોકરી ચાલુ કર જેથી તારુ મન બીજે પરોવાશે. આ જગતમાં જગત તારા જીવનમાં આવેલો એ તુ ભૂલી જા. તુ અવિશ્વાસ ભરી જીંદગી જીવ જ ન શકે. એટલે જે થયુ તે ભૂલીને આ જગતમાં આગળ વધ. ભગવાન ઓશો જો અત્યારે તારી સામે હોત તો આ જ જવાબ આપત.” – ઓશો વાણી મનુષ્યના મોં એ સાંભળીને મને હિંમત મળી. મારુ મો મલકાઇ ઉઠ્યુ. ભાઇએ પણ હિંમત આપી. બીજા દિવસે મારા ડિવોર્સ પેપરની તૈયારી શરુ કરી. દુખોની વચ્ચે પણ હુ પુલકીત થઇ ઉઠી. કાદવમાંથી બહાર આવ્યાનો અનુભવ થઇ રહ્યો. મનુષ્યને ક્યારેક જ કોઇ મનુષ્ય મળતો હોય છે તેનો પ્રત્યક્ષ અનુભવ થઇ ગયો.

લે. “અવિચારી”

તા. 09-09-2018, રવિવાર.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*